
विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतं ज्ञानम् ।
ज्ञानस्य फलं विरतिः विरतिफलं चाश्रवनिरोधः ॥
વિનયનુ ફળ સેવા છે, ગુરુસેવાનું ફળ જ્ઞાન છે. જ્ઞાન ફળ મનની સ્થિરતા એટલે કે સ્થિતપ્રજ્ઞતા અર્પે છે અને સ્થિતપ્રજ્ઞતા નું ફળ મોક્ષ છે.
આમ વિનય યુક્ત ગુરુની સેવા એ મોક્ષનો માર્ગ છે.
અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે કે વ્યાસ પૂર્ણિમાને સનાતન સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાની ઉપમા આપી છે. વ્યાસ એ વ્યક્તિથી પર એવા વિશેષ પદ માટેની પદવી છે. શાસ્ત્રોનું અધ્યયન કરી તેને લોકભોગ્ય ભાષામાં જનસામાન્ય સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે વ્યાસ અને એ મંચ એટલે વ્યાસપીઠ. આજે પણ કથા વાચકોને વ્યાસ શબ્દથી સંબોધવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે વેરવિખેર થયેલ શ્રુતિ જ્ઞાન માંથી ચાર વેદોની રચના કરી હતી. વેદોમાં સમસ્ત જીવોના કલ્યાણ માટેનું અક્ષય જ્ઞાન રહેલું છે. યુગો યુગોથી આ વેદોના જ્ઞાનનો પ્રજા કલ્યાણાર્થે ઉપયોગ થતો આવ્યો છે. અને તે માટે વેદોના જ્ઞાનનો વિસ્તાર પણ થતો રહ્યો છે. આ જ કારણ છે કે સનાતન સંસ્કૃતિ એ જડ નથી પરંતુ સતત ગતિમાન છે, ચેતન છે. પ્રાચીન એવા વેદોના જ્ઞાનને વર્તમાન સ્થિતિ અને સમયને અનુસાર પરિષ્કૃત કરી સમયાનુસાર સ્વિકૃતિ માટે દરેક કાળમાં ગુરુઓએ નિરંતર પ્રયાસ કર્યા છે. તેથી જ સનાતન સંસ્કૃતિ " નિત્ય નૂતન ચિર પુરાતન " કહેવાણી છે. જ્ઞાનની નિરંતરતાના આ ઉત્સવને જ ખરા અર્થમાં વ્યાસ પૂર્ણિમા કહેવાય છે.

ગણિતશાસ્ત્ર માં પણ વ્યાસ નો ઉલ્લેખ આવે છે જેમાં વૃત્તની પહોળાઈને વ્યાસ કહેવાય છે. વ્યાસનો આધાર લઈને જ વૃત્તની પરીધીનું માપ કાઢી શકાય છે. ઠીક એવી જ રીતે જ્ઞાનની વ્યાપકતાને સંપૂર્ણપણે માપવાની ક્ષમતા રાખનારને જ વ્યાસ કહેવાય. આવા પરમ જ્ઞાની જ જનસામાન્યને ગુઢ તત્વજ્ઞાન સમજાવવા માટે રૂપક કે કથાના રૂપમાં પુરાણોની રચના કરવા સક્ષમ હોય છે. મહર્ષિ વેદ વ્યાસે આવા અઢાર પુરાણોની રચના કરી હતી. પુરાણો એ જીવનના ગૂઢ રહસ્યોને સરળ કથાના માધ્યમથી સમજાવવા માટેનો શાસ્ત્રીય માર્ગ છે. આજે આખા વિશ્વનું શિક્ષા-વિજ્ઞાન એ સ્વીકારે છે કે બાળ અવસ્થામાં કથા એ બાળકને સમજાવવા માટેનો સૌથી સરળ અને પ્રભાવશાળી માર્ગ છે. પુરાણ એ આધ્યાત્મિક જ્ઞાનને બાળકો સુધી પહોંચાડવા માટેનું સરળ અને પ્રભાવશાળી માધ્યમ છે. આમ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહર્ષિ વેદ-વ્યાસના સ્મરણ કરવાની સાથે વેદ, પુરાણ અને ઉપનિષદ જેવા શાસ્ત્રોનો અધ્યયન કરવાનો સંકલ્પ જરૂરથી લેવો જોઈએ. ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ઉત્સવ છે. આ ઉત્સવ નિમિત્તે વર્તમાન પેઢી જો પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાનને પુનર્જીવિત કરવા માટેનો સંકલ્પબદ્ધ પ્રયત્ન કરે તો ભારતને વિશ્વગુરુ પદ પર આસીન કરવાના વિશ્વ કલ્યાણના લક્ષ્ય સાધવામાં અચૂક સફળ થશે.
"વિશાળતા એજ જીવન છે અને સંકુચિતતા મૃત્યુ છે"- સ્વામિ વિવેકાનંદ
એટલે જ કહેવાયું છે કે "ભારત જાગો, વિશ્વ જગાવો". વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર પુનરુત્થાન.
સદીઓથી આપણા ઋષિમુનિઓએ ગુરુનો અર્થ વિશાળતા એવો કર્યો છે. સૂર્યમંડળમાં નવ ગ્રહો પૈકી સૌથી મોટા ગ્રહનું નામ ગુરુ છે. ગુરુતા એટલે વિશાળતા અને એ લઘુતા કે સંકુચિતતાનો વિરોધાભાસી છે. આપણે સૌ સનાતન સંસ્કૃતિના વાહક સામુહિક સાધનાથી વિશ્વગુરુ ભારતનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ થઈએ એજ આજના ગુરુપૂર્ણિમા નિમિત્તે આપણી સૌની ગુરુ પ્રત્યેની સાચી કૃતજ્ઞતા હશે.
2 comments
Khub sundar abhinandan
Good Article